'પ્રેમ-ભક્તિ'નો મહાકવિ ન્હાનાલાલ.

04/04/2011 18:30

ગુજરાતી સાહિત્યમાં પૂર્ણ-પ્રફુલ્લ ચન્દ્રરાજ; 'પ્રેમ-ભક્તિ'નો મહાકવિ ન્હાનાલાલ.



કવિ કાન્ત દ્વારા સ્વાગત :



ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં (જેના પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા), કવિ કાન્ત પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે જ એમણે સભામાંના સાવ યુવાન વયના એવા ન્હાનાલાલના પ્રવેશને તેમની જ એક કાવ્ય પંક્તિ ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ કહીને આવકાર્યા હતા. અને એ રીતે તેમણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક મહાકવિના આગમનની ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. એ વખતના એ તરુણ કવિએ બહુ જલદી પોતાના વિષેની આગાહીને સાચી પાડી હતી.



તા.16-3-1877ના રોજ જન્મેલા મૂળ વઢવાણના કુટુંબના ન્હાનાલાલ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ દલપતરામના પુત્ર હતા.




કવિ ન્હાનાલાલને 15 વર્ષની વયે પિતા તરફથી કાવ્યદીક્ષા મળી હતી. પરંતુ ખૂબ જ તોફાની એવા આ પુત્રને તેમણે સાધુચરિત કાશીરામ દવે પાસે ભણવા મૂક્યા હતા.જેમણે જ્ઞાનસંસ્કારો આપીને એમની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. સદ્ ગુણી અને પ્રેમમૂર્તિ પત્ની માણેકબાએ પણ તેમના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.



કવિ ન્હાનાલાલના પુરોગામીઓ એવા ગુજરાતી સાહિત્યજગતના ધૂરંધરોમાંના ગો.મા.ત્રિપાઠી, નરસિંહરાવ, રણજિતરામ, કે.હ.ધ્રુવ વગેરેમાંથી તેમણે ભરપુર માર્ગદર્શન લીધું હતું. છતાં મઝાની વાત એ હતી કે કવિએ જે સર્જન કર્યું તે આ સૌ પુરોગામીઓ કરતાં ઘણું ચડિયાતું સાબિત થયું હતું. પ્રા. રા.વિ.પાઠકના જણાવ્યા મુજબ

” આગળના કવિઓ પછી ન્હાનાલાલને વાંચતાં જાણે નવી જ સૃષ્ટિ, નવું જ વાતાવરણ લાગે છે.”



1901માં તેઓ ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. ત્યાર બાદ કેટલીક માનભરી નોકરી કરીને વીસ જ વર્ષ પછી નિવૃત્ત થઈ ગયા હતા. ત્યાર પછી તો તેઓ સંપૂર્ણ રીતે ‘શારદોપાસના’માં જ પ્રવૃત્ત રહ્યા હતા. ભારતના અસહકાર આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા, પરંતુ ગાંધીજી સાથે ન ફાવતાં પાછલાં પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા હતા.



એમની સૌ પ્રથમ કૃતિ ‘કેટલાંક કાવ્યો’ ભાગ-1 1903માં પ્રગટ થઈ હતી, જ્યારે 1946માં ‘હરિસંહિતા’ લખતાં લખતાં જ તેઓ ચિર વિદાય પામ્યા હતા. 43 વર્ષની આ શારદોપાસના કે શબ્દસાધનામાં તેમણે 60 પુસ્તકો ગુજરાતી સાહિત્યને ભેટ ધરી દીધાં હતાં !!



1845માં પિતા દલપતરામે પોતાની સૌ પ્રથમ કૃતિ ‘બાપાની પીપર’ રચના પ્રગટ કરી. અને પુત્ર ન્હાનાલાલે 1946માં પોતાની અંતિમ કૃતિ ‘હરિસંહિતા’(અપૂર્ણ) આપી. આમ પૂરાં એકસો એક વરસના વિશાળ પટમાં પિતા-પુત્રની આ વિરલ જોડીએ ગુજરાતી સાહિત્યને પોતાની આગવી શૈલી અને વિપુલ સર્જનોથી ભર્યું ભર્યું કરી દીધું હતું !



એમનાં સમગ્ર સર્જનને અત્યંત સંક્ષેપમાં જોઈએ તો —



1.0 ] કવિતા :

1.1 એમના વિપુલ કવિતાસર્જનમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે,ઊર્મિકાવ્યો. ઊર્મિકાવ્યોમાં અનેક પ્રકારો તેમણે અજમાવ્યા છે, જેમાં આત્મલક્ષી કાવ્યો, ગીતો, ભજનો, બાળકાવ્યો, રાસડા, હાલરડાં, લગ્નગીતો, કરુણપ્રશસ્તિ, વીરરસનાં કાવ્યો, અંજલિઓ વગેરેનો સમાવેશ થાય છે.



1.2 દીર્ઘકાવ્યો-ખંડકાવ્યો તેમણે આપ્યાં છે પણ તે કાન્તનાં ખંડકાવ્યોની કક્ષાનાં નથી. એને ‘પ્રસંગકાવ્યો’ કહેવાયાં છે.

1.3 મહાકાવ્યો-વિરાટકાવ્યો કહી શકાય એવાં એપિક સ્વરૂપનાં મહાકાવ્યોનો પ્રશસ્ય પ્રયત્ન તેમણે કર્યો છે. અને ગુજરાતી સાહિત્યમાં તેઓ બહુમૂલ્ય ગણાયાં છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જાણીતાં છે.



2.0 નાટકો: તેમણે 14 જેટલાં ભાવપૂર્ણ નાટકો આપ્યાં છે. તેમાંની ડોલનશૈલી અને નાટકોની અંદર આવતાં ઊર્મિકાવ્યો કવિની વિશેષતા દર્શાવે છે. તેમાંની ડોલનશૈલી પાત્રોના વાચિક અભિનયને ઉપકારક બની રહી હતી.



3.0 ગદ્યગ્રંથો : નવલકથા, નવલિકા, નિબંધ, રેખાચિત્રો, જીવનચરિત્રો, વ્યાખ્યાનો, ભાષાન્તરો અને વિવેચન વગેરે પ્રકારે તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. અને એટલે જ

” ગુજરાતી ગદ્યને સર્જનાત્મક ઓપ આપીને વૈભવશાળી બનાવવામાં ન્હાનાલાલનો ફાળો ઉલ્લેખનીય છે.” (શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ )



4.0 અપદ્યાગદ્ય/ડોલનશૈલી : છંદો, પરંપરાવાળી લયમેળ રચનાઓ, ગઝલ, કવ્વાલી વગેરેના પ્રયોગો બાદ કવિએ પદ્યમુક્ત ડોલનશૈલી અપનાવી. પ્રથમ તો તેનો ઉપયોગ તેમણે ફક્ત નાટકોમાં જ કર્યો પરંતુ પછીથી તો કવિતામાં પણ એ શૈલી સફળતાથી અપનાવી. કેટલાંક ચિત્રકાવ્યો, વસંતોત્સવ, ઓજ અને અગાર, દ્વારિકા પ્રલય, જેવાં કથાકાવ્યો અને કુરુક્ષેત્ર જેવું મહાકાવ્ય વગેરે ડોલનશૈલીમાં છે. કવિશ્રી દ્વારા જ સર્જાયેલી અને અપનાવાયેલી આ વિશિષ્ટ શૈલી કવિ પછી કોઈએ અપનાવી નહીં એને શૈલીની અપ્રસ્તુતતા કહેવી તે તો ઉપયુક્ત નથી જ પણ પછીના કવિઓની એ માટેની અતત્પરતા ગણાવવી રહી. ‘અપદ્યાગદ્ય’તરીકે ઓળખાયેલી આ શૈલીને પ્રા.બ.ક.ઠાકોરે “આંદોલરચના” કહીને ઓળખાવી છે.



દોષો : આટલું વિપુલ અને ઉત્તમ કક્ષાનું સર્જન કરનાર કવિના સર્જનમાં કેટલાક દોષો પણ વિવેચકોએ ગણાવ્યા છે. જેમાં એકવિધતા, શબ્દાળુતા, અલંકાર પ્રાચુર્ય,ઉપરાંત સપાટી ઉપર દેખાતી ભભક અને અંજાવી નાખનાર તેજસ્વિતાના પ્રમાણમાં ક્યારેક ગહનતાનો અભાવ જોવા મળે છે તેમ કહીને એમને તટસ્થતાથી મૂલવવાનો પ્રયન કર્યો છે.



મહ્ત્વના ઉદ્દ્ગાર :



1] વિજયરાય ક. વૈદ્ય : ” ગુજરાતની વાડીમાં અનુત્તમ એવી નદી એક, નર્મદા છે. એ જ રીતે ગુજરાતીના સમગ્ર સાહિત્યમાં અનુત્તમ એવા વસ્તુગત (ઓબ્જેક્ટિવ)સાહિત્યકાર ગોવર્ધનરામ અને અનુત્તમ આત્મરત (સબ્જેક્ટિવ) એવા કોઈ હોય તો તે ન્હાનાલાલ છે…બીજી રીતે જોઈએ તો ગુજરાતી સાહિત્યનાં એક હજાર વરસના કવિતા ક્ષેત્રના ઇતિહાસમાં અનુત્તમ વસ્તુગત પ્રેમાનંદ અને અનુત્તમ આત્મરત એવા ન્હાનાલાલ છે !!”



2] સુંદરમ્ : “કાન્તની કવિતા ગુજરાતી કવિતામાં કળાની વસંતના આગમન જેવી છે તો કાન્તની પાછળપાછળ ચાલ્યા આવતા ન્હાનાલાલની કવિતા એ કળાવસંતના ઉત્સવ જેવી છે. ન્હાનાલાલનું કાવ્ય શબ્દ અર્થ અને ભાવનાઓ, સૌંદર્ય અને રસના કોક નવીન સત્વવાળી ફોરમથી મઘમઘી ઊઠે છે.”