મણિપુષ્પક – પ્રવીણ દરજી

23/03/2011 14:42

મણિપુષ્પક પ્રવીણ દરજી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ સુંદર મનનીય નિબંધોના જીવનપ્રેરક પુસ્તક મણિપુષ્પકમાંથી સાભાર..]

 

[1] જીવન જ ઈશ્વર છે….

                                                કબીરે જીવન જ ઈશ્વર છેએવું સાદું-સરળ વિધાન રમતું મૂકીને આપણી સામે એક ગહન સત્ય પ્રકટ કર્યું છે. આપણો પ્રયત્ન ઈશ્વરને આપણી બહાર ખોળવાનો રહ્યો છે. કબીરનો વિચાર જીવનને જ ઈશ્વર કહીને જીવનમાં રહેલા ઈશ્વરને વિસ્તારવાનું સૂચન કરે છે. કબીરે, કહો કે જીવન અને ઈશ્વર વિશેના બધા પ્રશ્નોનું અહીં સાચું મૂળ પકડ્યું છે. મહિમા તો જીવનનો છે, જીવનમાં જે કંઈ છે તેને જો ઓળખી લઈએ તો કોઈ એક બિંદુએ જીવન અને ઈશ્વર અભિન્ન લાગવાનાં. બિઈંગ’ – ‘આપણું હોવું’, ‘આપણું અસ્તિત્વએ સ્વયં એક મોટી ઘટના છે. જે કંઈ અલંકૃત કરવા જેવું છે તે જીવન છે. પણ આનાથી ઊલટું, આપણી સઘળી શોધો જીવનથી દૂર જઈને થતી રહી છે. જે ઈશ્વરરૂપ છે એને બાજુએ હડસેલી દઈએ છીએ અને જ્યાં ઈશ્વર નથી ત્યાં એની શોધાશોધ કરીએ છીએ.

 

જીવનથી, જીવનના આંતરવૈભવને પામીને જીવન પામવાનું છે. સૂત્ર રૂપે વાત મૂકીએ તો જીવનથી જીવન સુધી ! એટલે વાત બિઈંગને તંતોતંત પામવાની છે, શ્વાસેશ્વાસમાં રહેલા ઐશ્વર્યને ઓળખવાની છે, બિઈંગ વડે ઉત્તમમાં ઉત્તમ કર્મ કરવાની છે. પણ આપણું લક્ષ્ય બિઈંગને બદલે બિકમિંગબની ગયું છે. છીએ તે નહિ, નથી તે છીએ એવી એક અવળી યાત્રાનો આરંભ સમજણ આવતાં શરૂ થઈ જાય છે ! આપણે આપણને, આપણા ઈશ્વરમય જીવનને ભૂલીને કશુંક થવાના, કશુંક મેળવવાના પછી ઉધામા શરૂ કરી દઈએ છીએ. એવા ઉધામાને પછી કર્મકે સદકર્મના નામથી ઓળખીએ છીએ ! બિકમિંગની વાત આવતાં તે રસ્તે આગળ જનારાઓ કર્મના મૂળ અર્થને પણ ભૂલી જાય છે. તે કશુંક કરે છે, તેનું સરવૈયું કાઢે છે, નફાતોટાના આંકડા મૂકીને રાજી થાય છે, એવું કર્મ ભૌતિક અર્થમાં કશુંક ક્યારેક સંપડાવી પણ આપે છે પણ એ કર્મ ખરું ? એને કર્મ કહેવાય ? ગીતાના કૃષ્ણ તરત કહેશે મન વડે ઈન્દ્રિયોને વશ કરવાની છે, ફલાસક્તિરહિત થઈને કર્મયોગનો આરંભ કરવાનો છે. ઈન્દ્રિયોને નિયમમાં રાખી ત્યાં કર્તવ્યારંભ કરવાનો છે. પણ એ ક્યારે બને ? અહીં તો બિકમિંગના ઉધામા છે, આ તે લક્ષ્ય સુધી પહોંચવાની દોડ છે, એ માર્ગમાં જો કોઈ વચ્ચે આવતું હોય તો તેને કચડી નાખવાની વાત રહે છે, એ કર્મથી કોઈને નુકશાન થતું હોય તો તેની પણ ચિંતા થતી નથી આવા કર્મને શુદ્ધ કર્મ કેવી રીતે કહીશું ? એ કર્મ તો આસક્તિસભર છે, ઉદ્દેશપૂર્ણ છે, અન્યને પીડાકારક બનનાર છે.

 

સાચું કર્મ અનુકરણીય હોવું ઘટે, શ્રેષ્ઠ મનુષ્યનું આચરણ જોઈને અન્યો તેમ કરવા લલચાય, એ માર્ગે વળે તેવી પરિશુદ્ધતા હોવી ઘટે. પણ જે જીવનની બહાર જીવવા મથે છે તે આ વાત કેવી રીતે સમજી શકે ? અહીં કબીરને યાદ કરવો પડે. જીવન જ ઈશ્વર. જીવનનું પ્રત્યેક કર્મ પૂજા બની જવું જોઈએ, સુગંધ બની જવું જોઈએ, જેમાં કોઈ ભૌતિક લક્ષ્યો નહિ, આત્મિક આનંદનો ઉપક્રમ હોય. એવું કર્મ કોઈને અડે-નડે નહિ. એ જે કરે તે શિવને ચઢતા બીલીપત્ર સમું બની રહેવું જોઈએ. તેનું દરેક કાર્ય કર્મ ઈશ્વરી પ્રાર્થનાના શબ્દોરૂપ હોય. એવા કર્મથી ખુદનું જીવન તો હર્યાભર્યા ઉદ્યાનરૂપ બની રહે જ, અન્યો પણ એ ઉદ્યાનથી પરમ સુખ અનુભવે. જીવન જ ઈશ્વર છેએ વાત સમજાતાં જીવનની એક એક ક્રિયા, જીવનનો એક એક વિચાર પછી સ્વયં મંદિર બની રહે. મંદિર બહાર નથી, જીવનમાં જ છે. પૂજા-પાઠ, જયમાળા, ઓચ્છવો અને કીર્તન સઘળું આ જીવન છે. બહાર કશું નથી. જે બહાર એ બધું ખોળે છે તે જીવનની અવજ્ઞા કરે છે. જીવન વારંવાર મળનાર નથી. બિઈંગને જ ઊજવી રહેવાનું છે. બિકમિંગસુવર્ણમૃગ છે. બિઈંગ જ આપણો મૃગ છે.

 

પણ ઘાટ એવો થાય છે કે જીવનને આપણે સરવાળા-બાદબાકીનો દાખલો બનાવી મૂકીએ છીએ. આ પદ, પેલું પદ, નામ-કીર્તિ-પ્રતિષ્ઠા, બીજા કરતાં આગળ નીકળી જવાની હોડ-દોડમાં માણસ એવો અટવાઈ જાય છે કે જીવન અને ઈશ્વર બંને એના છેલ્લા શ્વાસ સુધી વ્હેંત છેટાં જ રહે છે ! ભૌતિક દ્રાવ્યોનો સરવાળો કરવામાં જીવનનો ઈશ્વરી આનંદ લૂંટવાનું રહી જાય છે. ત્યાં કથા-વાર્તાઓ સાંભળેલી કામ લાગતી નથી, મંદિરના આંટા ફેરા પણ કામ આપતા નથી. માત્ર ને માત્ર જીવનની શોભા બની રહે, પેલા ઈશ્વર તત્વનો અનુગ્રહ પામી રહીએ તેવું કોઈ કર્મ કર્યું છે ખરું ? જ્ઞાનથી, પૂરી સમજથી એવા કર્મને લોક સુધી વિસ્તરવા દીધું છે ખરું ? આપણું જીવન તેવાં કર્મોથી ઉત્સાહિત થઈ રહે છે ખરું ? જો ઉત્તર હા હોય તો સમજવું કે આપણે આપણા જીવનને થોડું એક પામ્યા છીએ, જીવનમાં ઓગળી રહેલા ઈશ્વરનો કંપ અનુભવ્યો છે.

 

આપણે સૌ કર્મો કરીએ છીએ પણ બિકમિંગ માટે, બિઈંગ માટે નહિ ! જે છીએ તેને ઓળખી લઈએ, જીવનની પરમ-વરમ શ્રેષ્ઠ ઈશ્વરીભેટના ખજાનાને લૂંટાય તેટલો લૂંટી લેવાનો છે. આ લૂંટનું ગણિત નથી. કોન્ફ્યુશિયસે આ જ વાતને સાવ જુદી ભાષામાં રજૂ કરી છે. એક દષ્ટાંત આપતાં તે કહે છે : પૌરાણિક રાજા શુને નૈષ્કર્મ્ય વડે રાજ્ય કર્યું હતું. આ રાજ્ય તેણે દક્ષિણ દિશા તરફ મોં રાખીને આદરપૂર્વક ઊભા રહીને કર્યું હતું.અર્થાત ન કરવા જેવું, પેલા જીવનને ન શોભે તેવું એક પણ કર્મ શુન રાજાએ નહોતું કર્યું. ગીતા જ્ઞાનસ્પર્શવાળા શુદ્ધ કર્મની, અનાસક્તિભર્યા કર્મની વાત કરે છે, તો કોન્ફયુશિયસ પ્રકાશ અને ઉષ્માના મૂળ તરફ મોં કરીને ઊભા રહેવાનું કહે છે. અર્થાત જે કર્મ પ્રકાશભર્યું હોય, ઉષ્માસભર હોય, સર્વના કલ્યાણનો જેમાં સમાવેશ થતો હોય એવું કર્મ. નૈષ્કર્મ્ય કરવું એમ કહીને તે અયોગ્ય કર્મ ક્યારેય રાજા કે પ્રજા કરી શકે નહિ તેવું ભારપૂર્વક કહે છે. લાઓત્સે જેવો ચીનનો ચિંતક પણ वु-वेईનો ખ્યાલ જ રજૂ કરે છે. કર્મ કરવું જ નહિ ! દુરિત ભરેલું કર્મ કરવું નહિ…… વાત છેવટે જીવન ઉપર આવે છે. જે જીવનને ઈશ્વરમય માને છે તે કદી वु-वेई કર્મ કરતો જ નથી, અર્થાત ખોટું-મિથ્યા કર્મ કરતો નથી. કૃષ્ણ ગીતામાં જે કર્મની વાત કરે છે તેનો પણ સાર તો આ જ છે આસક્તિ વિનાનું, જ્ઞાનપરિમાર્જિત કર્મ કરો. જે જીવનને ઈશ્વર લેખે છે તે દક્ષિણ દિશામાં ઊભો રહ્યો હોય છે. તેનાં કર્મો જીવનને પ્રકાશિત કરનાર ઉષ્માભર્યાં હોય છે. કર્મ કર્મશીલનું ઓળખપત્ર છે.

.

 

[2] પડશે તે દેવાશે...

                                                પિતાજી પાસેથી છેક નાનપણથી સાંભળ્યા કરેલી કેટલીક બાબતો હવે જુદી જુદી રીતે સમજમાં આવતી જાય છે. હવે તેમના એવા શબ્દોને અનુભવો વચ્ચે મૂકીને જોઉં છું ત્યારે તેમાંથી કોઈક નવો માર્ગ જ ઊઘડી રહેતો જણાય છે. એમના એવા ઉદ્દગારોમાંનો એક ઉદ્દગાર હતો – ‘પડશે તે દેવાશે’, આ પડશે તે દેવાશે એટલે શું ? ત્યારે એવું લાગતું કે પિતાજી અમુકતમુક બાબત વિશે ગંભીર નથી. એમ થતું કે તેમનું મન કશા કાર્ય માટે પ્લાનિંગ કરવામાં માનતું નથી. સંભવ છે કે કશીક છટકબારી એ શોધતા હોય, થનાર વસ્તુને ટાળવામાં એમનો રસ હોય.

 

પણ હવે આ પડશે તે દેવાશેનો અર્થ બાળપણમાં નહોતો સમજાયો તે જુદી રીતે સામે આવીને ઊભો છે. હવે તેઓ તેમના એવા વલણમાં સાવ સાચા હતા એમ નહિ, ઘણીબધી રીતે એકદમ સાચ્ચા હતા એવું લાગે છે. મારા અનુભવો સાથે તેમના એ વાક્યને જોડું છું ત્યારે જીવનનો એક નવો-નોખો ચહેરો ઊઘડી આવે છે. આપણે ભણેલા-ગણેલા, નવાં નવાં ગણિતો મૂકનારા, મોટાં મોટાં પ્લાનિંગ કરનારાઓ આમ જ થવું જોઈએ, અને તેમ તો ન જ થવું જોઈએએવા દઢાગ્રહો રાખનારાઓ, ‘કોઈ ગમે તે કહે પણ આમ જ થઈને રહેશે, જીવનને એમ વેડફી ન દેવાયજેવી ડંફાસો મારનારાઓ, ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ કરનારા હરખપદુડાઓ હકીકતમાં તો જીવનને લગીરે સમજ્યા જ નથી. આપણે એમ સમજી બેઠા છીએ કે જીવનને આપણે દોરીએ તેમ દોરાય છે. જીવનનું શિલ્પ ઘડવું તે આપણા હાથની વાત છે. તેથી થનાર ઘટનાની અથવા તો આકાર લેનાર વસ્તુની અગાઉથી ચિંતા કરતા થઈ જઈએ છીએ, તેથી જરૂરી હોય કે ન હોય પણ શક્તિ વેડફીનેય ઘણી ઘણી ગોઠવણોમાં પડી જઈએ છીએ. પણ જ્યારે ખરેખર એ ક્ષણ કે ઘટના આવી પહોંચે છે ત્યારે આપણી બધી ગોઠવણો નિષ્ફળ જતી જણાય છે. આપણાં ગણિતો સાવ ઊંધાં, શીર્ષાસન કરતાં જણાય છે. બાજી આપણા હાથમાં જ હોય છે એવું માનનારાના હાથમાંથી બાજી સાવ સરી ગઈ હોય છે. પરિસ્થિતિ ઈલ્લો બતાવીને આપણી ક્રૂર મશ્કરી કરતી હોય છે.

 

જીવનને આપણે દોરીએ છીએ અથવા આપણા થકી જ આ સઘળું તંત્ર ચાલે છે કે તેને ચલાવીએ છીએ એવું અત્યાર સુધી સમજ્યા તે નર્યું મિથ્યા હતું તે સમજાય છે. ક્યારેય, કોઈનુંય જીવન એની ઈચ્છા પ્રમાણે સીધી લીટીમાં ચાલ્યું હોય તેવું બનતું નથી. જીવન આપણું ગુલામ છે કે કહ્યામાં છે એ માત્ર આપણો ભ્રમ છે. ભલભલા ચમરબંધીઓ પણ જીવનની એવી લીલા સામે હારી જતા જોવા મળ્યા છે. જિંદગીના અર્થો એરકન્ડિશનવાળા ખંડમાં બેસીને સમજાતા નથી. ઘણી ગોઠવણોમાં પાર ઊતર્યા હોઈએ એટલે સર્વત્ર આપણે સફળ જ થઈશું એમ માની લેવાનું નથી. જિંદગી વિશે સતર્ક ભલે રહીએ પણ જિંદગીના નાટકની કોઈ નિશ્ચિત સ્ક્રિપ્ટ નથી. માનવીના જીવનના છેલ્લા શ્વાસ સુધી એ સ્ક્રિપ્ટ નવી નવી રીતે લખાતી રહે છે. તેમાં સતત છેંકભૂંસ થતી રહે છે. પાત્ર-પરિસ્થિતિ પ્રમાણે તેમાં કાટ-છાંટ, ઉમેરણો કે શબ્દો-દશ્યો બદલાતાં રહે છે. એવા જીવન-નાટકના દિગ્દર્શક આપણે નથી, કોઈ ત્રીજો જણ જ એનું દિગ્દર્શન કરતો રહે છે.

 

આપણે તો સદા ઈચ્છીએ કે આપણું જીવન સીધી લીટીએ જ ગતિ કરતું કરતું પૂરું થાય. બધા પાસા પોબાર પડે. જિંદગીને પડીકું સમજી તેથી આપણે ભાતભાતના રંગોના દોરથી એને બાંધવાના, શણગારવાના પ્રયત્નોમાં મંડી પડીએ છીએ. છેક સુધી બધું આપણી ધારણા પ્રમાણે જ થતું લાગે પણ એક એવી ક્ષણ આવી પડે જ્યાં અચાનક જ આપણી બધી કારીગરી નકામી પુરવાર થાય. પેલું સાચવી સાચવીને રાખેલું, રંગબેરંગી દોરાથી બાંધેલું પડીકું ફસકાઈ પડે. આપણો બધો શ્રમ વ્યર્થ જાય. આપણે તે માટે કરેલી ચિંતા લેખે લાગે નહિ. ફૂલાફાલ્યા થઈને ફરનારા આપણે ત્યારે ધરતી માર્ગ આપે તો અંદર ઊતરી જઈએ તેવી શરમજનક સ્થિતિમાં મુકાઈ રહીએ. કહો જિંદગી કોના હાથમાં રહી છે ? રઘુકુળના દશરથ રાજા પાસે ? કૌરવ કુલાધિપતિ ધૃતરાષ્ટ્ર પાસે ? કે પાંડવો પાસે ? આપણે ધારેલી કે કલ્પેલી ગતિ અને જીવનની પોતાની ગતિ બે વચ્ચે મોટી ખાઈ છે. સ્વપ્નની ક્ષણે જ દુઃસ્વપ્ન જેવા કકરા વાસ્તવનો મુકાબલો કરવો પડે છે. વિજયની ક્ષણે જ પરાજયનો કારમો ઘૂંટ ગળે ઉતારવો પડે છે. રાજસિંહાસન ઉપર આરૂઢ થવાની ક્ષણે જ, ત્યાં કોઈક બીજાને સ્થાન લેતાં જોવાનું બને છે.

 

જિંદગીની ગતિ એવી આડી-ઊભી-ત્રાંસી છે. જેટલું સીધી લીટીએ ચાલવું હોય એટલું જ જિંદગી સીધી લીટીએ ચાલતી હોય છે. નળ હોય કે સામાન્ય નર હોય. જિંદગી સૌને માટે તેથી અકળ રહી છે. આપણા સમયમાં જિંદગીનો ચહેરો ઓર સંકુલ બન્યો છે. મોન્ટેઈન જેવા પેરિસના સદગૃહસ્થ જિંદગી પાસેથી શું પામ્યા ? જે પેરિસમાં, ત્યાંના રાજકારણમાં ઘણી મોટી એમની ભૂમિકા રહી હતી છતાં એ સઘળું છોડીને તેઓને પોતાના વતનના, દૂર એકાંતમાં આવેલા ઘરમાં જીવનનાં શેષવર્ષો વિષાદપૂર્ણ અવસ્થામાં પસાર કરવાં પડ્યાં ! બેકન જેવા ધાર્મિક સજ્જનને પણ, રાજવી પરિવાર સાથે નિકટના સંબંધો હોવા છતાં જેલની હવા ખાવાનો વારો આવ્યો ! ડોન કિહોટેલખ્યા પહેલાં સર્વાન્તિસને પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ જવું પડ્યું. ગેલિલિયો કે આર્કિમિડિઝને ઓછી આપત્તિઓ નડી નથી. ક્ષણેક્ષણે તેઓને નર્કાગારનો અનુભવ કરવો પડ્યો છે. બડેખાં કે ખેરખાંઓને પણ આ જિંદગીએ ધૂળ ચાટતા કરી દીધા છે.

 

પિતાજીના પેલા શબ્દોને તેથી હવે જુદા સંદર્ભમાં જોવાનું બને છે. એક રીતે આપણે આપણું કામ કરતા રહેવાનું છે. તેના આગળ-પાછળના સંદર્ભો પણ ભૂલી જવાના છે. જિંદગીનો રથ આપણે ચલાવતા નથી. જિંદગી એવી કહ્યાગરી પણ નથી. જે ક્ષણે જે સ્થિતિ આવી પડે એ ક્ષણે તેનો મુકાબલો કરવાનો છે, અથવા તેનો સ્વીકાર કરવાનો છે. જે ક્ષણે જે રંગ એ પ્રકટ કરે તેને માણી લેવાનો છે. એથી વિશેષ આપણે તેમાં કોઈ નવો રંગ ભરી શકીએ તેમ નથી. જિંદગી સીધી ચાલતી હોય ત્યારે અને વાંકી ગતિ કરતી હોય ત્યારેય તેનું રહસ્ય હોય છે. આપણે ત્યારે-પડશે તે દેવાશેના સત્યને-શીખી લેવું પડે છે. જે ક્ષણે જે આવી રહે તે સત્ય. તેનો સ્વીકાર કે મુકાબલો !

 

ખુબ-ખુબ આભાર : રીડગુજરાતી....